ટંક (કેલમ)
ટંક તારામંડળનાં તારાઓને કાલ્પનિક રીતે જોડવામાં આવ, ત્યારે તેનો આકાર પથ્થર તોડવા માટે વપરાતી છીણી જેવા આકારને મળતો આવે છે.
કઇ બાજુ દેખાશે…વૈતરિણી અને હોરામાપ, જે તારામંડળ ટંક તારામંડળનાં પશ્ચિમ ભાગમાં આવેલું છે.
જો તમે ટંક તારામંડળનાં પૂર્વ તરફ નજર કરશો તો તમને કપોત અને નૌપૃષ્ઠ નામનું બીજું તારામંડળ જોવા મળશે. ટંક તારામંડળની ઉત્તર તથા દક્ષિણ બાજુએ તમને અનુક્રમે શશક તથા અસિમીન તારામંડળ જોવા મળશે.
ટંક તારામંડળ એ અવકાશી વિષુવવૃત્ત અને દક્ષિણ ધ્રુવની મધ્યમાં આવેલું છે, આ કારણે તે સમગ્ર રીતે દક્ષિણગોળાર્ધનો ભાગ છે.
તે આકાશનો ૧૨૫ ચોરસ ડિગ્રી જેટલો વિસ્તાર આવરી લે છે. તેથી તે વિસ્તારની દ્રષ્ટિએ ૮૧ માં નંબરનું તારામંડળ છે.
ક્યારે અને શું દેખાશે…ભારતમાં આપણે આ સુંદર પથ્થર તોડવા માટે વપરાતી છીણી જેવો આકાર ધરાવતાં ટંક તારામંડળને જુલાઈ થી માર્ચ મહિના સુધી જોઇ શકીએ છીએ.
તમે નરી આંખે, સ્વચ્છ દેખાતા આકાશમાં આ તારામંડળનાં ૨૧ તારાઓ જોઇ શકો છો. કારણ કે, તે તારાઓની તેજસ્વીતા , નરી આંખે જોઇ શકાતા તારાઓની તેજસ્વીતા કરતા એટલેકે ૬.૫ દેખીતા તેજાંક કરતા વધુ છે. આ તારામંડળનો સૌથી તેજસ્વી તારો આલ્ફા કેલી છે.
તારામંડળ એ એકલાં , જોડકાં (દેખીતા અને ખરેખર) સમૂહ અને રુપવિકારી તારાઓથી બનેલું છે.
આ ૨૧ તારાઓમાંથી ૨૦ સૌથી તેજસ્વી તારાઓની યાદી , તેમનાં પ્રકાર પ્રમાણે નીચે મુજબ છેઃ
જોડકા તારાઓ | રૂપવિકારી (વેરીએબલ) | જોડકા અને રૂપવિકારી તારાઓ | એક તારો (સિંગલ સ્ટાર) |
૨ | ૩ | ૨ | ૧૩ |
પૌરાણિક કથા…
હિંદુ માન્યતા અનુસાર, આ તારામંડળ માટે કોઇ જાણિતી કથા નથી.
દૂરઅવકાશી રચના…
આપણે જેટલાં પણ તારાઓ જોઇએ છીએ, તે બધાં આપણી આકાશગંગા તારાવિશ્વનાં જ છે. તેજસ્વી તારાઓને નરી આંખે જોઇ શકાય છે અને ઝાંખા તારાઓને ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આકાશનો આ પડદો જે આપણે દ્વિ- પરિમાણમાં જોઇએ છીએ, તે વાસ્તવમાં ત્રી- પરિમાણ ધરાવતાં બ્રહ્માંડની વાત છે.
દરેક તારામંડળ માં ખૂબ બધી ઝાંખી અવકાશી રચનાઓ જોવા મળે છે. તેમને અંતર અને પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. આપણી આકાશગંગાની તક્તીમાં જુદાં જુદાં પ્રકારની નિહારીકાઓ જેમકે ઉત્સર્જન નિહારીકા, પરાવર્તન નિહારીકા, અંધારી કે શ્યામ નિહારીકા, તારાઓને જન્મ આપતી કે ગ્રહીય નિહારીકા, સુપરનોવા અવશેષ તથા ખુલ્લાં તારકગુચ્છ આવેલાં છે. આ ઉપરાંત બંધ તારકગુચ્છ પણ આવેલાં છે કે જે આપણા તારાવિશ્વનાં પ્રભામંડળમાં જોવાં મળે છે. અમુક દૂરનાં પદાર્થો જેવાંકે બીજાં તારાવિશ્વો પણ ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આવી રચનાઓને “દૂર અવકાશી રચનાઓ” તરીકે ઓળખવામાં આવે છે.
આ તારા મંડળમાં ૧૯૮ જુદા જુદા પ્રકારની આવી દૂર અવકાશી રચનાઓ આવેલ છે.
આ તારામંડળનાં ૨૦ સૌથી તેજસ્વી એવાં દૂર અવકાશી પદાર્થોની યાદી નીચે મુજબ છેઃ


તારાવિશ્વ | ખુલ્લું તારકગુચ્છ | બંધ તારકગુચ્છ | નિહારિકા | સુપરનોવા અવશેષ | ||
નરીઆંખે દેખાતા | – | – | – | – | – | |
ટેલિસ્કોપ દ્વારા દેખાતા | ૨૦ | – | – | – | – | |
૨૦ | – | – | – | – |